કોવિશીલ્ડ વેક્સિન બનાવતી પૂણેની કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટના એક્ઝિમ ડિરેક્ટર પી. સી. નામ્બિયારે કહ્યું હતું કે ઓક્ટોબર સુધી બાળકોની કોરોના વેક્સિન પણ આવી જાય એવી પૂરેપૂરી શક્યતા છે. એનો પહેલો ડૉઝ બાળકોને જન્મ પહેલાં જ આપી શકાશે. કેરળના કોચીમાં આયોજિત એક કાર્યક્રમમાં નામ્બિયારે કહ્યું હતું કે બાળકોની વેક્સિનને બાદમાં દવા તરીકે પણ વિકસાવી શકાશે. બાળકો કોરોના પોઝિટિવ આવશે ત્યારે એ સારવારમાં કારગત સાબિત થશે. અમારી કંપની હજુ ચાર વેક્સિન વિકસાવી રહી છે, જે આ વર્ષના અંત સુધી ઉપયોગમાં લઈ શકાશે. જૂન સુધી નોવાવૈક્સ ઉપલબ્ધ થઈ જશે, જેના ટ્રાયલનું કામ પણ ઝડપથી ચાલી રહ્યું છે. કોડાજેનિક્સ સાથે મળીને વિકસાવી રહેલી કોવિવૈકના બીજા તબક્કાના ટ્રાયલ પણ પૂરા થઈ ગયા છે. કેન્દ્રની માંગ પૂરી કરવા કોવિશીલ્ડનું ઉત્પાદન એપ્રિલ સુધી બમણું થઈ જશે. અત્યારે અમે દર મહિને દસ કરોડ ડૉઝ બનાવી રહ્યા છીએ, જે એપ્રિલથી 20 કરોડ થઈ જશે.


Gujarat News
19 Feb 2021