રાજકોટમાં કોરોનાનું દ્રશ્ય દિવસેને દિવસે ડરામણું થતું જાય છે. રોજ મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. બીજી તરફ આ વખતે એટલે કે નવા ટ્રેન્ડમાં બાળકો પણ કોરોનાની ઝપટે ચડ્યા છે. ગોલ્ડ મેડાલિસ્ટ બાળરોગ નિષ્ણાંત અને ઓપીડીમાં કોરોનાગ્રસ્ત બાળકોની સારવાર કરતા ડો.મેહુલ મિત્રાએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, નવા ટ્રેન્ડમાં બાળકોને ઝાડા થવા તે મુખ્ય કોરોનાનું લક્ષણ બની ગયું છે. ઝાડા સાથે તાવ આવવો અને શરદી-ઉધરસના લક્ષણો હોય તો માતા-પિતાએ ચેતી જવું જોઇએ. જોકે બાળકોમાં 80 ટકા ઉપર રિકવરી રેટ છે. રોગપ્રતિકારક શક્તિ સારી હોવાથી તેઓ ઝડપથી સાજા પણ થઇ જાય છે. બાળકોમાં થાયમસ ગ્રંથિ હોવાથી તેનો રિકવરી રેટ ફાસ્ટ છે. 0થી 10 વર્ષના બાળકોએ અલગ અલગ રસીઓ મૂકાવેલી હોય છે જેને લઇ તેમાં રોગપ્રતિકારક શક્તિ વધેલી હોય છે. જેને લઇ થાયમસ ગ્રંથિ રિકવરી થવામાં મદદરૂપ બને છે. બાળકોમાં કોરોનાનું પ્રમાણ વધવાનું કારણ પરિવારના લોકો પણ ટેસ્ટ કરવા આગળ આવ્યા છે.


Gujarat News
06 Apr 2021