ગુજરાતીઓ વેપારી પ્રજા તરીકે ઓળખાય છે. નોકરી કરતાં વેપારને મહત્વ આપતા ગુજરાતીઓ ઉદ્યોગ સાહસીનું બિરૂદ દેશ અને દુનિયામાં પામ્યા છે. નોકરી કરવાના બદલે સાહસ બતાવી શૂન્યથી સર્જન કરનાર જીગર માત્ર ગુજરાતીઓમાં જ જોવા મળે છે. આવી જ એક જીગર સુરતના એક યુવાને બતાવી છે. રત્નકલાકારના પુત્ર એ 24 લાખના વાર્ષિક વેતનની નોકરી જતી કરીને ટી શોપ શરૂ કરી છે. કોરોનાકાળ બાદ શરૂ કરેલા ચાના ધંધામાં યુવક 42 પ્રકારની ફ્લેવરની ચાનું મહિને 4 હજાર કપ વેચાણ કરીને 2 લાખ રૂપિયાની આવક મેળવી રહ્યો છે. નોકરી જતી કરી ધંધાની ખોજ શરૂ કરીચાની શોપની કરી શરૂઆત સુરતના રત્નકલાકારના પુત્ર મિતુલ પડસાલાએ કહ્યું હતું કે, પુનામાં દેશની નામાંકિત સિમ્બોસીસ કોલેજમાં MBA(HR) અભ્યાસ કરતો હતો. તે દરમિયાન રાષ્ટ્રીયકૃત બેંકમાંથી તેમણે જોબની ઓફર મળી હતી. આ જોબ માટે બેંકે તેને 24 લાખ રૂપિયા સેલેરીની ઓફર કરી હતી. પરંતુ, આ ગુજરાતી યુવાન પોતાના ધંધાની શોધમાં હતો. તેને કશું પણ વિચાર્યા વગર લાખો રૂપિયાની જોબને ઠોકર મારી દીધી હતી અને કોરોના કાળમાં જ્યારે તે સુરત આવ્યો ત્યારે લોકોની મદદ કરવાની શરૂઆત કરી હતી. આ વચ્ચે તે પોલીસવાળા અને જરૂરિયાત મંદોને ચા પીવડાવતો હતો. જે દેશ ચા પ્રધાન તરીકે પોતાની ઓળખ ધરાવે છે. ત્યાં સ્ટાર્ટ અપમાં ચાની શોપ શા માટે ન શરૂ કરાય? એવો તેને વિચાર આવ્યો હતો.


Gujarat News
30 Jul 2021